/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/16163302/maxresdefault-176.jpg)
ભરૂચ જિલ્લાના થામ ગામ નજીકથી પસાર થતી કેનાલની સફાઇ કરવામાં નહિ આવતાં પાણી ઓવરફલો થઇ આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે.
ખેતરોમાં સિંચાઇ માટેનું પાણી પુરુ પાડતી કેનાલો કયારેક ખેડુતો માટે આર્શિવાદરૂપ તો કયારેક અભિશાપ બની જતી હોય છે. કેનાલોની મરામતના નામે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પરિસ્થિતિમાં કોઇ સુધારો આવતો નથી તે વાસ્તવિકતા છે. ઠેર ઠેર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહે છે તેમજ વનસ્પતિઓ ઉગી જવાથી કેનાલો શોભાના ગાઠિયા સમાન બની જાય છે. ભરૂચ જિલ્લાના થામ ગામ નજીકથી પસાર થતી કેનાલની સત્તાધીશોએ બરાબર સફાઇ કરાવી ન હતી. જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવતાની સાથે પાણી ઓવરફલો થઇ આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં છે. ખેડુતોએ વાવેતર કરેલાં મગ, કપાસ અને ઘઉં સહિતના પાકને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. નહેર વિભાગની બેદરકારી સામે ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહયો છે.