/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/23164919/maxresdefault-286.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ પણ દર્દીઓને માળખાકીય સુવિધા મળતી નથી જેમાં ખાસ કરીને પીવાનું અને ધોવાના પાણીને લઈ દર્દીઓની હાલત કફોડી બની રહી છે દર્દીએ રોજ પીવાના પાણી માટે ૨૦૦થી ૩૦૦ રૂપિયા ખર્ચ કરવા પડી રહયા છે. છતાં પણ સિવિલ સત્તાધીશો પીવાના કે બાથરૂમમાં વાપરવાના પાણીની સુવિધા નથી આપી શકતા. હોસ્પિટલમાં રોગચાળો વધુ વકરે તેવી ગંદકીથી પણ દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ભરૂચ જિલ્લાના ૯ તાલુકાની એકમાત્ર જિલ્લાની કોઈ સરકારી હોસ્પિટલ હોય તો તે છે ભરૂચ સિવિલ હોસ્પિટલ, પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીના કારણે હર હંમેશાં વિવાદમાં રહેતી હોય છે છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું અને ધોવાનું પાણી ન આવતા દર્દીઓની હાલત કફોડી બની રહી છે. તો કેટલાય દર્દીઓ પીવાના પાણી માટે રૂપિયા ખરચવા માટે મજબૂર થયા છે. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી કેમ નથી આવતું તે પ્રશ્નને લઈને મીડિયાએ પણ સ્થળ નિરીક્ષણ કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પીવાના પાણી માટે મુકેલા કુલરની તપાસ કરતા તેમાં પાણી આવતું ન હતું.
તદુપરાંત આસપાસ ગંદકીના સામ્રાજ્યથી ગંભીર બીમારીનો પણ ભય દર્દીઓને સતાવી રહ્યો છે. હોસ્પિટલના બાથરૂમમાં પણ પાણી ન આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બાથરૂમ અત્યંત દુર્ગંધ મારતું અને ગંદકી વચ્ચે રોગચાળાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સારવાર માટે આવતા દર્દીઓ રૂપિયા ખર્ચી પીવા માટે પાણી ખરીદી રહ્યા છે. દુકાનદારના જણાવ્યાનુસાર રોજની પીવાના પાણીની ૭૦ જેટલી બોટલનું વેચાણ થઈ રહ્યું છે. દર્દીઓને મફતમાં પીવાનું પાણી મળી રહે તે માટે દુકાનદારે પોતાના સ્વખર્ચે હોસ્પિટલમાં ૫ જગ મુક્યા હતા. પરંતુ તે પૈકી ત્રણ જગ જ ગુમ થઈ ગયા હતા. જેના પગલે દુકાનદારે પણ ભરૂચ સિવિલ સત્તાધીશોની બેદરકારી સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.