દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.આ તરફ વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતાઓની અટકાયતના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઈ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની નિંદા કરી તેમજ કોંગ્રેસના નેતાઓની અટકાયતને અલોકતાંત્રિક ગણાવી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વિરોધ કરી રહેલા નેતાઓની અટકાયત લોકશાહી મૂલ્યો પર પ્રહાર સમાન છે. તેમણે સરકારને આવી કાર્યવાહી બંધ કરવાની માંગ કરી હતી.
