/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/31155938/7bf3c299e8baca251a3f803c2bdd661f.jpg)
રાજયના મુખ્યમંત્રી એક તરફ ભ્રષ્ટાચાર નિવારવાની વાત કરી રહયાં છે તો બીજી તરફ અંકલેશ્વર જીઆઇડીસીના ડેપ્યુટી એન્જીનીયરની કારમાંથી 2.27 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે.
ગુજરાતમાં કોઇ પણ કચેરીમાં લાંચ આપ્યા વિના કામ થતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ભરૂચ એસીબીના પીઆઇ એસ.વી. વસાવાને એક મહત્વની બાતમી મળી હતી. જેના આધારે તેમણે પોતાની ટીમ સાથે મુલદ ટેકસ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક વૈભવી કારને અટકાવી તલાશી લીધી હતી. કારચાલકે પોતાની ઓળખ અંકલેશ્વર જીઆઇડીસીમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં પંકજકુમાર પરસોત્તમ શેઠ તરીકે આપી હતી. તેમની કાર તથા અંગ ઝડતીમાંથી 2.27 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ રકમ બાબતે તેઓ યોગ્ય ખુલાસો કરી શકયાં ન હતાં. તેમણે આ રકમ લાંચ પેટે સ્વીકારી હોવાનું પ્રાથમિક તબકકે લાગતાં તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ હવે ભરૂચ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર.પટેલને સોંપવામાં આવી છે.