ભરૂચના વાગરા તાલુકાના ખેડૂતોનો વિરોધ

રાઈટ ઓફ યુઝર પ્રક્રિયાનો વિરોધ

પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થઈ હતી પ્રક્રિયા

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

નોંધના આધારે કોઈ કાર્યવાહી ન કરવા માંગ

ભરૂચના વાગરા તાલુકાના વેગણી, કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઈપલાઈન માટે થયેલી ‘રાઈટ ઓફ યુઝર’ નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. 

ભરૂચના વાગરા તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાઈટ ઓફ યુઝર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચસ્તરીય તપાસ અને યોગ્ય કર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઈપલાઈન અધિનિયમ હેઠળ જમીનોમાં ‘રાઈટ ઓફ યુઝર’ની નોંધ કરવામાં આવી હતી.

જોકે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધા રજૂ કરવાની તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી હોવાનું આવેદનમાં જણાવાયું છે.આવેદનમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ સુધી જમીન પર કોઈ પાઈપલાઈન પણ બિછાવવામાં આવી નથી, છતાં જમીનના 7/12ના ઉતારામાં ‘રાઈટ ઓફ યુઝર’ની નોંધ કરવામાં આવતા સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચસ્તરીય તપાસ, તમામ નોટિસો અને દસ્તાવેજોની પ્રમાણિત નકલો ઉપલબ્ધ કરાવવા, વ્યક્તિગત સુનાવણીનો અવસર આપવા તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નોંધના આધારે કોઈપણ પ્રકારની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે.