• ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગનો પરિપત્ર

  • શ્વાનોની સંખ્યા ગણવા પરિપત્ર કરતા વિવાદ

  • શિક્ષણ આલમમાં ભારે રોષ

  • વિવાદ વકરતા શિક્ષણ વિભાગે ફેરવી તોળ્યું 

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાજેતરમાં શાળાઓને મોકલાયેલા એક પરિપત્રને લઈને વિવાદ ઊભો થયો હતો. પરિપત્રમાં શાળાના પરિસર તથા આસપાસ રખડતા શ્વાનોની સંખ્યા અંગે સર્વે માહિતી માગવામાં આવી હતી. શિક્ષકોને રખડતા શ્વાનોનો સર્વે કરવાનું કહેવાતા  શિક્ષણ જગતમાં ઉહાપોહ મચ્યો હતો.પરિપત્ર મળ્યા બાદ કેટલાક શાળા સંચાલકો અને શિક્ષક વર્ગે આ પ્રકારની માહિતી માગવાની પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા કર્યા હતા. સરકાર દ્વારા શિક્ષકો પાસે શિક્ષણ સિવાય અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે ત્યારે હવે રખડતા શ્વાનોના સર્વેની પણ જવાબદારી સોંપવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ મચ્યો હતો.
મુદ્દો ચર્ચાસ્પદ બનતા શિક્ષણ તંત્ર પર સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી હતી.વિવાદ વધતા જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક પરિપત્રમાં સુધારો કર્યો હતો. સુધારેલા પરિપત્ર મુજબ હવે શાળાઓને રખડતા શ્વાનોની સંખ્યા નહીં પરંતુ શાળા કે આસપાસ શ્વાનોનો ત્રાસ છે કે નહીં તેનો ‘હા’ અથવા ‘ના’માં જવાબ આપવા જણાવાયું છે.આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા  વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને માહિતી એકત્રિત કરવા સૂચનાના આધારે પરિપત્રની  પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગેરસમજ ઉભી થતા નવો પરિપત્ર કરાયો છે.