ભરૂચ શહેરના હાર્દસમા વિસ્તાર એવા રેલ્વે સ્ટેશન નજીક આવેલ ફેલિસીટા હોટલમાં કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ હોટલમાં જમવા બેસેલા કેટલાક લોકો તેમજ સ્ટાફમાં ભાગદોડ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. હાલ આગ ક્યાં કારણોસર લાગી હતી, તે અંગે સ્પષ્ટતા થઈ ન હતી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, આ ઘટનામાં સદનસીબે કોઈ મોટું નુકશાન કે, જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.