ભરૂચ : 2005ની સાલ બાદ શહેરમાં વધુ એક આગનું તાંડવ, પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં 18 લોકોના મોત

ભરૂચ : 2005ની સાલ બાદ શહેરમાં વધુ એક આગનું તાંડવ, પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં 18 લોકોના મોત
New Update

અગાઉ 2005માં લકઝરી બસ સળગતાં 22 મુસાફરોના થયાં હતાં મોત

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારની રાત્રિના સમયે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં કોરોનાના 16 દર્દીઓ સહિત 18 લોકોના જીવનદીપ બુઝાય ગયાં છે. કોવીડ કેર સેન્ટરમાં લાગેલી આગે સૌના કાળજા કંપાવી દીધાં છે. શોર્ટસર્કીટના કારણે લાગેલી આગમાં આઇસીયુ વોર્ડમાં સારવાર લઇ રહેલાં 16 દર્દીઓ અને તેમની સારવાર માટે રહેલી બે નર્સ જીવતા ભુંજાઇ ગઇ છે. આજના વિશેષ બુલેટીનમાં જોઇશું ભરૂચમાં બનેલા આગના મોટા બનાવો.

બનાવ : 01

ભરૂચમાં કોરોનાના કેસ વધી જતાં જંબુસર ચોકડી વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે કોવીડના દર્દીઓની સારવાર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શુક્રવારની રાત ભરૂચની વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે કાળ રાત્રી સાબિત થઇ હતી. જે હોસ્પિટલમાં સારવાર લઇ જીવનદાન મેળવવા આવેલાં દર્દીઓને હોસ્પિટલમાં જ મોત મળી ગયું હતું. હોસ્પિટલમાં લાગેલી આગમાં આઇસીયુનો આખો વોર્ડ ભુંજાય ગયો છે. આગામાં 18 હતભાગીઓએ જીવ ગુમાવી દીધાં છે.

બનાવ : 02

ગત વર્ષે ડીસેમ્બર મહિનામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી ન્યાયમંદિર હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કલાકો સુધી ચાલેલી આગમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી ન્યાયમંદિર હોટલમાં ડીસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં રાત્રીના સમયે અકસ્માતે આગ ફાટી નિકળી હતી. ઘટનાને પગલે હોટલમાં કામ કરતાં લોકો તેમજ હોટલમાં આવેલાં ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી. આગની જ્યાળાઓ આકાશમાં ઉંચે સુધી જતાં લોકોમાં ભય ફેલાયો હતો. બનાવ અંગે પાલિકાના લાશ્કરોને જાણ કરવામાં આવતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી આગમાં હોટલો હાડપિંજરમાં પરિવર્તિત થઇ ગઇ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

બનાવ : 03

પાંચ વર્ષ પહેલાં લાલબજાર વિસ્તારમાં આવેલી જુનીકોર્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. સદનસીબે કોર્ટને અન્ય સ્થળે ખસેડી લેવામાં આવતાં મોટી જાનહાનિ થતાં અટકી હતી.ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલી જુની કોર્ટના ત્રીજા માળે આજથી પાંચ વર્ષ પહેલાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બપોરના 2 કલાકના અરસામાં અચાનક ધુમાડાના ગોટા ઉડતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોતજોતામાં આગની જ્વાળાઓએ વિકરાળરૂપ ધારણ કરતાં સ્થાનિકોએ બનાવ સંદર્ભ ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરતાં પાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

બનાવ : 04

બે વર્ષ પહેલાં વડદલા પાટીયા પાસે ટેન્કરની સાથે અથડાયા બાદ મુંબઇથી અમદાવાદ તરફ જઇ રહેલી લકઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ મુસાફરો બસમાં જીવતા જ ભુંજાય ગયાં હતાં જયારે 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.ગુજરાત ટ્રાવેલ્સની એસી પ્રિમિયમ લકઝરી બસ વાયા મુંબઇ થઇને અમદાવાદ માટે આવવા રવાના થઇ હતી. મુસાફરોના જણાવ્યા મુજબ મુંબઇ ખાતે લકઝરી બસના આવવાનો સમય રાત્રિના 8 વાગીને 55 મિનિટનો હતો પણ મુંબઇ ખાતે લકઝરી બસ રાત્રિના સવા અગિયાર વાગ્યાની આસપાસ આવી હતી. બસમાં 45થી વધારે મુસાફરોએ મુંબઇથી વડોદરા અને અમદાવાદ તરફ તેમની મુસાફરીનો પ્રારંભ કર્યો હતો. રવિવારે સવારે 5 વાગ્યાના અરસામાં લકઝરી બસના ડ્રાયવર લુવારા પાટીયા પાસે કેમિકલ ભરેલાં ટેન્કર સાથે પાછળના ભાગે અથડાઇ હતી. અકસ્માત બાદ બસ અને ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 3 મુસાફરોના મોત થયાં છે જયારે 40થી વધુનો બચાવ થયો છે.

બનાવ : 05

ભરૂચ જિલ્લાના ઇતિહાસની વાત કરવામાં આવે તો આગની સૌથી મોટી ઘટના 2005ની સાલમાં બની હતી. નેશનલ હાઇવે પર આવેલી નર્મદા ચોકડી પાસે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં સવાર 22 મુસાફરો બસમાં જ જીવતા સળગી ગયાં હતાં.2005ના ડીસેમ્બર મહિનામાં ભરૂચની નર્મદા ચોકડી પાસે ટ્રકની સાથે પટેલ ટ્રાવેલ્સની વોલ્વો લકઝરી બસમાં આગ ફાટી નીકળી હતી જેમાં 22 મુસાફરો બસમાં જ જીવતા સળગી ગયાં હતાં. 2005ની સાલમાં બનેલા બનાવમાં વોલ્વો બસમાં સવાર મુસાફરોને બસમાંથી બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. તે સમયે પણ વોલ્વો બસ હાઇવે ક્રોસ કરી રહેલી ટ્રક સાથે અથડાઇ હતી અને બાદમાં બસમાં આગ ફાટી નીકળી હતી.આગની આ ઘટનાને ભરૂચના ઇતિહાસની સૌથી મોટી ઘટના ગણવામાં આવે છે.

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો હોવાથી આગના બનાવો દરરોજ બનતાં રહે છે. આગના છમકલાઓ સામાન્ય બાબત છે. પણ હવે હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ લોકોને ડરાવી દીધાં છે. ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે લોકો ભયના માહોલમાં છે ત્યારે વેલફેર હોસ્પિટલના કોવીડ વોર્ડમાં લાગેલી આગે સૌનો ભય વધારી દીધો છે. દર આગની ઘટનાઓ પછી નેતાઓ ટવીટ કરી સંવેદના વ્યકત કરે છે અને મૃતકો માટે વળતરની જાહેરાત કરતાં હોય છે. સુરતમાં આગની ઘટના બાદ ફાયર સેફટીનો કાયદો બનાવવામાં આવ્યો છે પણ આગના બનાવો હજી અટકયાં નથી. જો કોઇ પણ કાયદાનું સુચારૂ પાલન કરાવવું હશે તો પ્રમાણિક નેતાઓ, પ્રમાણિક અધિકારીઓ અને પ્રમાણિક કર્મચારીઓની જરૂર પડશે. નહિતર આવી ઘટનાઓમાં અનેક નિર્દોષ જીંદગીઓ મોતની ચાદર ઓઢી કાયમ માટે ફાની દુનિયાને અલવિદા કરી દેશે અને નેતાઓ ફરીથી તેમના ધંધે લાગી જશે. જેની ગોદડી ગઇ હશે તેને ટાઢ વાશે બાકી બધા તો સલાહ અને મદદ આપી છટકી જશે……

#Bharuch #fire incident #Bharuch News #Fire News #Bharuch. Gujarat #Bharuch fire #Bharuch Fire Break Out #CG Special
Here are a few more articles:
Read the Next Article