ભરૂચના વાલિયામાં રોષ જોવા મળ્યો

આદિવાસી સમાજમાં રોષ

આદિવાસી દિવસની ઉજવણીનું બેનર ચોરાયું

રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

જવાબદારો સામે કાર્યવાહીની માંગ

ભરૂચના વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું બેનર ચોરાતા રોષ જોવા મળી રહ્યો છે.જય આદિવાસી સેના દ્વારા આ બાબતે રેલી કાઢી વિરોધ નોંધવાયો હતો.

ભરૂચ જિલ્લાના અનુસૂચિત ૫ વિસ્તારમાં આવતા વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા જાહેર કરાયેલા ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ ૦૨/૦૮/૨૦૨૬ ને રવિવારના રોજ વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાવવામાં આવ્યું હતું. પરંતુ તારીખ ૦૩/૦૮/૨૦૨૬ ની રાત્રે અસામાજિક તત્વો દ્વારા આ બેનરની ચોરી કરવામાં આવી હતી.

વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આદિવાસી સમાજને બંધારણ તરફથી મળેલા વિશેષ હક અને અધિકારોનું હનન થતાં, દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ સાથે આ રેલી યોજવામાં આવી હતી.