ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો. સમગ્ર આશ્રમ ગુરુભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભજન-કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય  ભાવિન પંડ્યા અને આચાર્ય  મનન પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતાં જણાવ્યું કે ગુરુનું સાન્નિધ્ય જીવનને સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. તેમણે દરેક ભક્તને સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા, વેદોનું નિયમિત અધ્યયન કરવા અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપી.

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ગુરુપૂજન, પાદુકા પૂજન, વિશેષ મંત્ર દીક્ષા, વૈદિક મંત્રોચ્ચાર, ભજન-કીર્તન, મહાઆરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુકૃપાનો લાભ પ્રાપ્ત કર્યો.