નેત્રંગના હાથકુંડી ગામમાં સ્થાનિકોને હતી સમસ્યા

સમસ્યા અંગે કનેક્ટ ગુજરાત પર અહેવાલ પ્રસારિત

બિસ્માર નાળા અંગે રજૂ કરવામાં આવ્યો અહેવાલ

કનેક્ટ ગુજરાતના અહેવાલ બાદ તંત્ર કામે લાગ્યું

નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક સમારકામ શરૂ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામે ટોકરી નદી પરનું નાળુ ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા અંગે કનેક્ટ ગુજરાત પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ બાદ તંત્ર હરકતમાં આવી તાત્કાલિક ધોરણે નાળાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. નાળું ધોવાઈ જતાં ગ્રામજનો વીજપોલ આડો મુકીને જીવના જોખમે નાળા પરથી અવર-જવર કરવા મજબૂર બન્યા હતા. તો સાથે જ માટી પુરાણ કરી રસ્તો કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, માટી પણ ધોવાઈ ગઈ હતી. સમગ્ર સમસ્યા અંગે કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કનેક્ટ ગુજરાતના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાંત અધિકારી ડો. પંકજ વલવી, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ નિરીક્ષણ બાદ નાળા પર ફરીથી માટી પુરાણ તેમજ ભૂંગળા નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે ગ્રામજનોને હાલાકીમાંથી રાહત મળવાની આશા જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાથકુંડીના સ્થાનિકોએ પણ નાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહના કારણે નાળું વારંવાર ધોવાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાથી ગ્રામજનોએ મજબૂત અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે.