/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/29170347/maxresdefault-389.jpg)
ભરૂચના વકીલ જશુભાઇ જાદવની હત્યામાં સંડોવાયેલાં ચાર આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે. જશુભાઇ પર હુમલા બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. વકીલના મોત બાદ પરિવારે હોબાળો મચાવતાં સફાળી જાગેલી પોલીસે આખરે તમામ ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
ભરૂચના ભોલાવ ખાતે આવેલી અલકનંદા ગેલેક્ષી ખાતે રહેતા 65 વર્ષીય વકીલ જશુભાઇ જાદવ 17 ડિસેમ્બરે તેમના ઘર પાસે આવેલી વ્રજ વિહાર સોસાયટી ખાતેની કચ્છ સુપર સ્ટોરમાં સામાન ખરીદી કરવા ગયા હતાં. જયાં દુકાન પર ઉભેલા યુવાન સાથે તેમને ઝગડો થયો હતો. આ ઝગડાની રીસ રાખી યુવાન તેના સાગરિતો સાથે આવ્યો હતો અને વકીલ જશુભાઇને ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું મોત થતાં પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો.
પરિવારજનોના હોબાળા બાદ પોલીસ સક્રિય બની હતી અને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે દિનુભા શિવસિંહ રણા, પ્રવિણસિંહ દેવેન્દ્રસિંહ રણા, અજીતસિંહ રણજીતસિંહ રણા અને રાજેન્દ્રસિંહ રણજીતસિંહ રણાને ઝડપી પાડી તેમની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.