ભરૂચ : અત્યાર સુધી 500થી વધુ મૃતદેહોના કર્યા અગ્નિ સંસ્કાર, પણ એક મૃતદેહથી સ્વયંસેવક ભાંગી પડયો

New Update
ભરૂચ : અત્યાર સુધી 500થી વધુ મૃતદેહોના કર્યા અગ્નિ સંસ્કાર, પણ એક મૃતદેહથી સ્વયંસેવક ભાંગી પડયો

જયારે તમે 500 જેટલા કોવીડના દર્દીઓના અંતિમ સંસ્કાર કર્યા હોય અને તમારે તમારા જ હાથે પિતાના મૃતદેહને અગ્નિદાહ આપવાનો આવે ત્યારે થતી વેદનાનું વર્ણન ભરૂચના કોરોના વોરિયર્સ ધર્મેશ સોલંકી સિવાય કોઇ ન કરી શકે......

ભરૂચમાં કોવીડની મહામારીએ દસ્તક દીધા બાદ ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા પર સ્પેશિયલ કોવીડ સ્મશાન શરૂ કરવામાં આવ્યું હતું. કોરોનાના કાળમાં જયાં સગાઓ સગાઓને અગ્નિદાહ આપતાં ડરતા હતાં તેવા સમયે ધર્મેશ સોલંકી અને તેમની ટીમ જીવ જોખમમાં મુકી મૃતદેહોને પંચમહાભુતમાં વિલિન કરતી હતી. છેલ્લા એક મહિનાથી કોરોનાથી મૃત્યુ પામતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે ચિતાઓ સતત સળગતી રહે છે. કોવીડ સ્મશાન ખાતેના દ્રશ્યો પાષાણહદયી માનવીઓને પણ પીગળાવી દે છે. ગમે તેવી વિકટ સ્થિતિમાં અને તેમાંય નર્મદા નદીમાં આવેલાં પુરના સમયે પાણીમાંથી મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડવાનું સેવાકાર્ય કરવાનો જશ ધર્મેશ તથા તેમની ટીમને જાય છે. અત્યાર સુધીમાં 500 કરતાં વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનારા ધર્મેશ માટે ગુરૂવારનો દિવસ દુખદ સમાચાર લઇને આવ્યો હતો. ધર્મેશને સ્વપનેય ખ્યાલ નહિ હોય કે તેને તેના જ પિતાના નશ્વર દેહને મુખાગ્નિ આપવો પડશે. ગુરૂવારના રોજ ધર્મેશના પિતા બચુભાઇ સોલંકીનું નિધન થતાં તેમને અંતિમ સંસ્કાર માટે કોવીડ સ્મશાન ખાતે લવાયો ત્યારે વાતાવરણ ગમગીની બની ગયું હતું. દુખના આ પ્રસંગમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહયાં હતાં.

Latest Stories