ભરૂચ નગરપાલિકાને સરકાર તરફથી વિવિધ ગ્રાંટ મળી ચુકી હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાથી વિકાસના કામો અટકી પડયાં હોવાની રજુઆત વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કરી છે.
દિવાળીના તહેવારોને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ભરૂચ નગરપાલિકાનાં રસ્તા અને પાણીનાં વિવિધ કામો અંગે વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાનાં વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યુ હતું કે, નગર પાલિકામાં રાજય સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો આવી ચૂકી છે તેમ છતાં તેનો ઉપયોગ થતો નથી જેથી લોકોને પારાવાર તકલીફો પડી રહી છે. શહેરના રસ્તાઓ બિસ્માર બની ગયાં છે ત્યારે ગ્રાંટની રકમનો ઉપયોગ કરી પહેલા રસ્તાઓ રીપેર કરવામાં આવે તે ખુબ જરુરી બની ગયું છે.
પાલિકા પ્રમુખને રજુઆત કરતી વેળા દંડક હેમેન્દ્ર કોઠીવાળા, સલીમ અમદાવાદી તથા અન્ય સભ્યો હાજર રહયાં હતાં. પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળાએ જણાવ્યું હતું કે, જેમ બને તેમ જલ્દી ગ્રાન્ટનાં નાણાંનો ઉપયોગ કરવામાં આવશે આ અંગે ગાઈડલાઇનની રાહ જોવાઈ રહી છે. ગ્રાન્ટ આવતાની સાથે રસ્તા તેમજ અન્ય નગરનાં કામો કરવામાં આવશે એમ જણાવાયું હતું..