• ભરૂચમાં કરાયુ આયોજન

  • દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં આયોજન

  • નમોત્સવ મેગા મલ્ટી મીડિયા શો યોજાશે

  • 100 કલાકારો કરશે રજુઆત

  • પી.એમ.મોદીના જીવન કવનને કરાશે રજૂ

ભરૂચમાં તારીખ 13મી માર્ચના રોજ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટી મીડિયા શો યોજાશે જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ભરૂચ શહેરમાં પહેલીવાર એક ભવ્ય અને અભૂતપૂર્વ સાંસ્કૃતિક મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દુધધારા ડેરી દ્વારા 13 માર્ચે સાંજે 6 વાગ્યે દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે “નમોત્સવ” મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શો યોજાનાર છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરવામાં આવશે.નમોત્સવ કાર્યક્રમ ભરૂચ શહેર અને જિલ્લાની જનતા માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ બનશે. આ મેગા શોમાં 100થી વધુ કલાકારો દ્વારા ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવનપ્રસંગોને જીવંત બનાવવામાં આવશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને પ્રખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે પોતાની અનોખી શૈલીમાં સંચાલિત કરશે.દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ અને મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સહિત પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.