હાલ કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં હવે બોગસ તબીબોનો પણ રાફડો ફાટ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાની નેત્રંગ પોલીસે નજીકના હદ વિસ્તારમાંથી 2 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. જેમાં બન્ને બોગસ તબીબ પાસેથી પોલીસે અલગ અલગ દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, નેત્રંગ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નેત્રંગ નજીકના હદ વિસ્તારમાં બોગસ તબીબો દવાખાનું ચલાવી રહ્યા છે, ત્યારે પોલીસે બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ કરતા બોગસ તબીબો દવાખાનું ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી બોગસ તબીબ હોવાનું જણાઈ આવતા નેત્રંગ પોલીસે પંચનામું કરી અલગ અલગ દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારે હાલ તો નેત્રંગ પોલીસે બન્ને બોગસ તબીબ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ અન્ય સ્થળોએ પણ કોઈ બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા છે કે, કેમ તે બાબતે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.