ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના મૂળ વતની અને છેલ્લા 10 વર્ષથી રોજીરોટી માટે સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા પટેલ પરિવારની કારને મેરિસ્ક બર્ડ નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પતિ-પત્ની સહિત બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. પરિવારના સભ્યોનું મોત થયા હોવાના સમાચારથી કોલવણા ગામ સહિત આપસાસના પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામના પટેલ પરિવારના સાકીર પટેલ અને રોજમીના પટેલ રોજીરોટી અર્થે છેલ્લા 10 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા, ત્યારે ગત રવિવારની રાત્રે તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા, તે દરમ્યાન મેરિસ્ક બર્ડ નજીકથી પસાર થતી વેળા તેઓની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી જતાં કારમાં સવાર સાકીર પટેલ અને પત્ની રોજમીનાનું તેમજ સાથે સવાર સુબહાન નામના બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે નાની બાળકીનો જન્મદિવસે જ ચમત્કારિક બચાવ થતા બાળકીને નવજીવન મળ્યું હતું. પરિવાર બાળકીના જન્મદિવસની ઉજવણી કરવા પીટર મેરિસબર્ગ જઈ રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો અને પરિવાર કારમાં ક્યાં જઈ રહ્યો હતો, તેની સંપૂર્ણ વિગતો હજી બહાર આવી નથી. પોતાના બાળકનો જન્મદિવસ હોવાથી કેક કાપ્યા બાદ પરિવાર કારમાં સવાર થઈ ઉજવણી માટે નીકળ્યું હોવાની વિગતો પણ સુત્રોમાંથી સાંપડી રહી છે. જોકે હાલ પરિવારના સભ્યોનું મોત થયા હોવાના સમાચારથી કોલવણા ગામ સહિત આપસાસના પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.