ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગનું તાંડવ, કોરોનાની સારવાર લેતાં 16 દર્દીઓ સહિત 18 વ્યકિત જીવતા ભુંજાયા

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગનું તાંડવ, કોરોનાની સારવાર લેતાં 16 દર્દીઓ સહિત 18 વ્યકિત જીવતા ભુંજાયા
New Update

ભરૂચમાં એક તરફ કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહયો છે તેવામાં કોરોનાના દર્દીઓની સારવાર કરતી પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારે રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતાં આઇસીયુ વિભાગમાં સારવાર લઇ રહેલાં 16 દર્દીઓ અને બે નર્સ સહિત કુલ 18 વ્યકતિઓના જીવનદીપ અકાળે બુઝાય ગયાં છે.

ભરૂચમાં કોરોનાના દર્દીઓ સારવાર માટે બેડ શોધી રહયાં છે તેવામાં પટેલ વેલ્ફેર હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં લાગેલી આગે વાતાવરણને વધુ કરૂણ બનાવી દીધું છે. ઓકિસજનનું લેવલ ઘટી જતાં જે દર્દીઓ વેન્ટીલેટર કે ઓકિસજન સિલિન્ડરના સહારે જીવનનો શ્વાસ વધારી રહયાં હતાં તે જ તેમના મોતનું કારણ બની ગયાં હતાં. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોર પર કોવીડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. કોવીડ કેર સેન્ટરમાં ભરૂચ શહેર તેમજ આસપાસના ગામડાઓના સારવાર માટે આવી રહયાં છે. શુક્રવારની રાત્રિના સમયે દર્દીઓ મીઠી નીંદર માણી રહયાં હતાં તે વેળા અચાનક શોર્ટસર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ આખા આઇસીયુ વિભાગમાં પ્રસરી ગઇ હતી. ઓકિસજન અને વેન્ટીલેટર પર રહેલાં દર્દીઓ મોઢા પર નેબ્યુલાઇઝર હોવાથી મરણચીસો પણ પાડી શકયાં ન હતાં. 16 જેટલા હતભાગી દર્દીઓ દોઢ કલાક સુધી ચાલેલા આગના તાંડવમાં જીવતા જ ભુંજાય ગયાં હતાં. આગ બુઝાયા બાદ આઇસીયુ વોર્ડમાં કાળજાને કંપાવી દેનારા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. દર્દીઓને જીવનદાન આપતાં વેન્ટીલેટર ખુદ હાડપિંજર બની ગયાં હતાં. ઉનાળાની ગરમીમાં દર્દીઓને ઠંડી હવા આપતા પંખાના પાંખિયા પણ આગમાં બચ્યાં ન હતાં. આઇસીયુમાંથી એક પણ દર્દીને જીવતો કાઢવામાં સફળતા મળી ન હતી.

ભરૂચ નગરપાલિકાના લાશ્કરો તથા હોસ્પિટલના સ્ટાફ અને આસપાસના લોકોએ દોડી આવી બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આઇસીયુ વોર્ડમાંથી બહાર કાઢવામાં આવેલાં દર્દીઓના મૃતદેહો કોલસા જેવા થઇ ગયાં હતાં. આઇસીયુ વોર્ડમાં રહેલી બે નર્સો આગથી બચવા માટે શૌચાલયમાં ભાગી હતી પણ ત્યાં ગુંગળાઇ જવાથી તેમનું મોત થયું હોવાનું જાણવા મળી રહયું છે. આઇસીયુ વોર્ડમાં આગ કેવી રીતે લાગી તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પટેલ વેલ્ફેર ઉપરાંત ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને અમદાવાદની કોવીડ હોસ્પિટલોમાં પણ આગના બનાવો બની ચુકયાં છે. આગની ઘટનાની જાણ થતાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અમદાવાદના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદીન શેખ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, રેન્જ આઇજી હરીકૃષ્ણ પટેલ અને એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં.

શુક્રવારની રાતના અંધારામાં 18 માનવ જીંદગીઓ આગમાં હોમાય ગઇ હતી. ઘટનાની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવીટ કરી સંવેદના વ્યકત કરી હતી. મૃતકોના પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી.. ગુજરાત સરકારે બે આઇએએસ અધિકારીઓ રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને તાત્કાલિક અસરથી ભરૂચ મોકલ્યાં છે. હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તેનું ચોકકસ કારણ જાણવા માટે સુરતથી ફાયરબ્રિગેડની ટીમ આવી છે. આ ઉપરાંત વીજકંપનીની ટીમ હોસ્પિટલનું વાયરીંગ તપાસી રહી છે. એફએસએલની ટીમ તપાસ માટે આવી રહી છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃતકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. સિવિલ હોસ્પિટલમાં પણ આંખો ભીંજવી નાંખે તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. આગમાં ભસ્મીભુત થઇ ગયેલાં મૃતદેહો સ્ટ્રેચર પર પડયાં હતાં. હોસ્પિટલમાં જીવનદાન મેળવવા આવેલાં દર્દીઓએ કોરોનાના કારણે નહી પણ આગના કારણે જીવ ગુમાવી દીધો હતો. આગની ઘટના બાદ હોસ્પિટલની બહાર બે હજારથી વધારે લોકો ભેગા થઇ ગયાં હતાં. ફાયર વિભાગના રીજીયોનલ ફાયર ઓફિસર દિપક માખીજાનીએ જણાવ્યું હતું કે, કોવીડ કેર સેન્ટર વિભાગ પાસે ફાયર વિભાગનું એનઓસી જ નથી..

ભરૂચની પટેલ વેલ્ફેરમાં બનેલી આગની ઘટના બાદ બચેલા દર્દીઓને જંબુસર તથા અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આવા સંજોગોમાં વાગરાના યુવાનોની માનવતા સામે આવી છે. પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ બાદ દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહયાં હોવાની જાણ થતાં વાગરાના યુવાનોએ માત્ર બે કલાકમાં વાગરામાં ઓકિસજનની સુવિધા સાથેના બેડ તૈયાર કરી દીધાં હતાં. તેમના આ સરાહનીય કાર્યની ઠેર ઠેર ઠેર સરાહના પણ થઇ રહી છે. દેશભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત જ નહિ દેશમાં વિવિધ સ્થળોએ હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો બની રહયાં છે. ખાસ કરીને આઇસીયુ વિભાગમાં દર્દીઓ આગ કે અન્ય હોનારત સમયે તેમના બેડ પરથી ઉભા થઇ તેમનો જીવ બચાવી શકતાં નથી. ત્યારે આવા સંજોગોમાં આઇસીયુની સુરક્ષા અને સલામતી નિશ્ચિત કરવી જોઇએ. કનેકટ ગુજરાત પરિવાર આગની દુખદ ઘટનામાં મૃત્યુને ભેટેલા દર્દીઓના સ્વજનોને સાંત્વના પાઠવી દીલસોજી પાઠવે છે.

#Bharuch #fire incident #Bharuch Collector #Bharuch News #Fire News #Patel Welfare Hospital Bharuch #Bharuch fire #Patel Welfare Hospital
Here are a few more articles:
Read the Next Article