અંકલેશ્વરમાં ગત રાત્રિએ એક વ્યક્તિ પર ફાયરિંગની ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી. બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા યુવાન ઉપર ફાયરિંગ થયું હતું. અહમદ સઈદ વાડીવાલા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્શોએ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. હુમલામાં અહમદ સઈદ વાડીવાલાને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. માથામાં ગોળી વાગતા ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અહમદ સઈદ વાડીવાલાના પત્ની અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ બાદ તેમની કેટલાક લોકો સાથે ચૂંટણી બાબતે તકરાર ચાલી રહી હતી. હુમલા બાબતે ૩ થી ૪ લોકો ઉપર ઈજાગ્રસ્તએ શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ વ્યક્તિઓ અંગે તપાસ હાથ ધરી છે.હાલ ઇજાગ્રસ્તની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
