ભરૂચ જિલ્લાના રાજપારડી ગામના ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ દરમ્યાન વિવિધ સર-સામાનની ચોરીના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજપારડી ગામે પોલીસ કાફલો વાહન ચેકિંગમાં હતો. તે દરમ્યાન નેત્રંગ રોડ તરફથી 2 ઇસમો આવતા પોલીસે તેઓને રોકી મીણીયા થેલા તપાસતા એક ઇન્વર્ટર મળી આવ્યું હતું, ત્યારે આ ઇન્વર્ટર ચોરીનું હોવાની પોલીસને ખાતરી થતાં બન્ને ઇસમો પૈકી (1) અવિધાનો રહેવાસી મોતી વસાવા, અને (2) નવા માલજીપરાનો રહેવાસી દિનેશ વસાવાની પૂછપરછ કરતા આ સામાન ચોરીનો હોવાની કબુલાત કરી હતી.
જોકે, પોલીસે બન્નેની સઘન પૂછપરછ કરતાં અન્ય મુદ્દામાલ નવા માલજીપરા ગામ નજીક સારસા ડુંગર વિસ્તારમાં સંતાડેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સંતાડેલ ચોરીનો તમામ મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી જપ્ત કર્યો હતો. જેમાં ગેલ્વેનાઇઝ લોખંડના 41 નંગ પતરા, 20 નંગ લોખંડની એંગલ, 1 નંગ દવા છાંટવાનો પંપ, 1 નાનગ ઇન્વર્ટર, 100 ફૂટ લાંબો 1 રબરનો પાઇપ અને 4 નંગ હેલોજન લાઇટ મળી કુલ કિંમત 36,200 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બન્ને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.