દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારાના અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન સામે આવ્યું છે.બજારમાં કૃત્રિમ અછત ઉભી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે.

દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે સુગર ફેડરેશન તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વર પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ભાવવધારો કરવામાં આવી રહ્યો છે.નેશનલ ફેડરેશન ઑફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝના વાઇસ ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે સુગર ફેક્ટરીઓમાં ખાંડનું ઉત્પાદન કર્યા બાદ નીકળતા મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. એટલે ઇથેનોલના ઉત્પાદનને કારણે ખાંડના ઉત્પાદનમાં કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી.ફેડરેશનના જણાવ્યા મુજબ, રાજ્યની ખાનગી ડિસ્ટિલરીઓ પણ શેરડીના સીરપને બદલે ચોખા અને મકાઈમાંથી ગ્રેન-બેઝ્ડ ઇથેનોલનું ઉત્પાદન કરી રહી છે. સહકારી ખાંડ સંસ્થાઓમાં સીરપમાંથી સીધું ઇથેનોલ બનાવવામાં આવતું ન હોવાથી ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું હોવાના આક્ષેપોને ફેડરેશને પાયાવિહોણા ગણાવ્યા છે.

આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં વાર્ષિક ખાંડનો વપરાશ આશરે 267 લાખ મેટ્રિક ટન છે, જ્યારે તેની સામે 320 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. એટલે દેશમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતાં વધુ રહ્યું હોવાનો ફેડરેશનનો દાવો છે.ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ અને સુગર ફેક્ટરીઓના ગોડાઉનમાં હાલમાં પણ 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. ફેડરેશનના મતે આ જથ્થો આગામી 5થી 6 મહિના માટે પૂરતો હોવાથી દેશમાં ખાંડની તંગી હોવાની વાતને કોઈ આધાર નથી.

દરમિયાન, આગામી 15 ઑક્ટોબરથી નવી શેરડી પિલાણ સીઝન શરૂ થવાની છે. નવી સીઝન શરૂ થતાં ખાંડનો નવો પુરવઠો બજારમાં આવવાની શક્યતા છે.

સુગર ફેડરેશનનું કહેવું છે કે ખાંડના ભાવમાં હાલનો વધારો વાસ્તવિક અછતના કારણે નથી અને ઇથેનોલ ઉત્પાદનને ખાંડની અછત સાથે જોડતા આક્ષેપો પણ યોગ્ય નથી. હવે નવી પિલાણ સીઝન શરૂ થયા બાદ બજારમાં ખાંડના પુરવઠા અને ભાવ પર તેની શું અસર થાય છે તે જોવાનું રહેશે.