સુરતના ધ જરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ચાંદીના તારની રાખડી બનાવી અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરવામાં આવશે.
સુરતની આગવી ઓળખ સમાન રીયલ જરી જરદોશી વર્કમાંથી એક વિશેષ રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડીની મુખ્ય ખાસિયત એ છે કે તેને બનાવવામાં શુદ્ધ ચાંદીના જરદોશી તારનો ઉપયોગ થયો છે. બારીક કારીગરી અને પરંપરાગત કળાનું અદ્ભુત મિશ્રણ આ રાખડીમાં જોવા મળે છે, જે સુરતની સમૃદ્ધ હસ્તકળાની ઝાંખી કરાવે છે. સુરતની કુશળ કારીગર બહેનો દ્વારા સતત ત્રણ દિવસની અથાક મહેનત અને નિષ્ઠા બાદ આ રાખડી આકાર પામી છે. રાખડીના એક-એક તાંતણામાં જરદોશી વર્ક કરનાર બહેનોની ભક્તિ, સ્નેહ અને મહેનત સ્પષ્ટપણે છલકાય છે.
આ ખાસ રાખડી સમયસર અયોધ્યા પહોંચે તે માટે એસોસિએશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુરિયર મારફતે ‘બાય એર’ આ રાખડીને અયોધ્યા રામ મંદિર ખાતે રવાના કરવામાં આવી છે.જેથી રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલા તે ભગવાન રામના ચરણોમાં પહોંચી જાય.
આ વિશેષ રાખડી પ્રભુ શ્રી રામને સમર્પિત કરવા પાછળ ઉદ્યોગકારોનો બેવડો હેતુ છે. એક તરફ ભગવાન શ્રી રામ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને ભાવના છે, તો બીજી તરફ સુરતના પરંપરાગત જરી અને જરદોશી આર્ટને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્રોત્સાહન મળે અને આ ઉદ્યોગ વધુ વિકસે તેવો શુભ આશય છે.સુરતના જરી ઉદ્યોગકારો અને કારીગરોની આ ભાવનાત્મક પહેલથી સુરતનું નામ દેશભરમાં ફરી એકવાર ગૌરવવંતું બન્યું છે.
