ભરૂચ : નર્મદા ચોકડીથી દહેજ તરફ જતાં માર્ગ અને બ્રીજની “દુર્દશા”, વર્ષોની યથાસ્થિતિ

ભરૂચ : નર્મદા ચોકડીથી દહેજ તરફ જતાં માર્ગ અને બ્રીજની “દુર્દશા”, વર્ષોની યથાસ્થિતિ
New Update

ભરૂચ શહેરના માર્ગોની હાલત અતિબિસ્માર થઈ ચૂકી છે. ભરૂચથી દહેજ જતા માર્ગ પર નંદેલાવ બાયપાસ બ્રિજ તેમજ જંબુસર ચોકડી પર આવેલ બ્રિજનો માર્ગ અત્યંત ખખડધજ બની ગયો છે. જોકે અહીંથી સેંકડો વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા હોવાથી સ્થાનિક અને સામાજિક આગેવાનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

વર્ષોથી ભરૂચ શહેરને ખાડાઓના શહેરની ઉપલબ્ધિ મળી છે. ભરૂચની પ્રખ્યાત ખારીસિંગ સાથે ખાડાઓથી પણ ભરૂચની એક અલગ ઓળખ ઊભી થઈ છે. એ એટલા માટે કારણ કે, ચોમાસાની મોસમ આવે એટલે ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય છે. જેના કારણે વાહનચાલકો સહિત અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ભરૂચના બાયપાસ ચોકડી પરથી દહેજ ઇન્ડસ્ટ્રીઝને જોડતા બ્રિજની હાલત દયનીય બની ચૂકી છે. બ્રિજ પર મસમોટા ગાબડાઓ પડ્યા છે. જેનું અત્યાર સુધીમાં રિપેરિંગ કામ નથી કરાયું. હવે તો બ્રિજના સળિયાઓ પણ બહાર નીકળી આવ્યા છે. અતિબિસ્માર બનેલા બ્રિજ કોઈ મોટા અકસ્માતને નોતરે તેવી ભીતિ સેવાઇ રહી છે. ભરૂચના સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ સ્થળ પર નિરીક્ષણ કરી રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને જીએસઆરટીસી વિભાગને તાકીદે સમારકામ કરવા અપીલ કરી હતી. અને જો રિપેરિંગ, પેચવર્ક નહીં કરવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદની સાથે જ શહેરના રસ્તાઓએ રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. માત્ર બાયપાસ બ્રિજ જ નહીં, નંદેલાવ બ્રીજ, ભરૂચથી દહેજ સુધીનો સંપૂર્ણ હાઇવે અને ભરૂચથી જંબુસર તરફ જતો માર્ગ વેન્ટિલેટરની પરિસ્થિતીમાં આવી ગયો છે. રસ્તાઓની નાજુક હાલતમાં વાહનચાલકોના માથે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. પાલિકા વિપક્ષના નગરસેવક સલીમ અમદાવાદીએ માર્ગના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા હતા. છેલ્લા 5 વર્ષથી ચોમાસા પૂર્વે જૂનમાં સમારકામ કરે છે અને એક જ માહિનામાં પરિસ્થિતી જેવી હતી તેવી થઈ જાય છે. માર્ગના નિર્માણકાર્યમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાકટરોને જેલ પાછળ ધકેલવા માંગ કરી હતી.

#Bharuch #Connect Gujarat #Gujarati News #Bharuch Bridge #Bharuch-Dahej
Here are a few more articles:
Read the Next Article