/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/07161507/maxresdefault-81.jpg)
ભરૂચ શહેરમાં વધી રહેલા રખડતા પશુઓના ત્રાસના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે તેવામાં શકિતનાથ વિસ્તારમાં બે આખલા તોફાને ચઢતાં લોકોના જીવ તાળવે ચોંટયાં હતાં.
ચોમાસાની શરૂઆત થતાંની સાથે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાય, ભેંસ, ગધેડા સહિતના પશુઓ રખડતી હાલતમાં જોવા મળી રહયાં છે. મુખ્યમાર્ગો પર અડીંગો જમાવી દેતાં પશુઓના કારણે ટ્રાફિક, ગંદકી અને અકસ્માતોની સમસ્યા વકરી રહી છે. ઢોર ડબ્બાને અભાવે પાલિકા પાંજરાપોળ પર નિર્ભર હોવાથી રખડતા ઢોરને પકડવાનું અભિયાન અસરકારક સાબિત થઇ રહયું નથી. પાલિકા પાસે ઢોર ડબ્બાને અભાવે આ વર્ષે પણ ચોમાસામાં પણ શહેરીજનોને રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડે છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહયો છે. આખલાઓનો રાહદારીઓ પર હુમલાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી ગયાં છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન સંવનનકાળ હોવાથી આખલાઓ આક્રમક બની જતાં હોય છે તેથી લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. રાજસ્થાન તથા આસપાસના રાજયોમાંથી આખલાઓને વેચાણ માટે લાવતા ખાટકીઓ આખલા છુટ્ટા મુકી દેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ચોમાસા દરમિયાન મોટા ભાગના રસ્તાઓ પર ગાયોના ઝૂંડ બેઠેલા નજરે પડતાં હોય છે. ગાયોને પાણી પસંદ નથી અને ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો તથા કીચડ જોવા મળે છે. આવા સંજોગોમાં માત્ર રસ્તાઓ પણ પાણી નહિ હોવાથી ગાયોના ઝૂંડ માર્ગો પર બેઠેલા વધારે જોવા મળે છે.