• વલીમાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ

  • 182 દીકરા-દીકરીઓના સમૂહ લગ્ન ભવ્ય રીતે સંપન્ન

  • આદિવાસી પરંપરા અને આધુનિક સેવાનો સમન્વય

  • આદિવાસી સમાજની ભવ્યતા અને એકતાના દર્શન  

  • ધારાસભ્યએ 182 પરિવારોનો આર્થિક બોજ હળવો કર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વલી ગામ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાના નિવાસ્થાને ભવ્ય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 182 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું વલી ગામ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું હતું.પ્રકૃતિના ખોળે અને આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો વચ્ચેધારાસભ્ય રિતેશ વસાવાના નિવાસસ્થાને ભવ્ય આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક-બે નહીંપણ પૂરા 182 આદિવાસી યુગલોએ પરંપરાગત રીતે લગ્નગ્રંથિથી જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી.

છેલ્લા બે દિવસથી વલી ગામમાં ઉત્સવનો માહોલ હતો. મંડપ મુહૂર્ત અને રાત્રે પરંપરાગત ગીતોના તાલે આખું ગામ ઝૂમી ઉઠ્યું હતું. મંગળવારની સવારે હળદર વિધિ બાદ જ્યારે 182 વરરાજાઓનો સામૂહિક વરઘોડો નીકળ્યોત્યારે વાતાવરણ આદિવાસી વાજિંત્રોના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આદિવાસી સમાજની ભવ્યતા અને એકતાના દર્શન અહીં ઠેર-ઠેર જોવા મળ્યા હતા.

બપોરે 12 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને આદિવાસી રીત-રિવાજો મુજબ લગ્ન સંપન્ન થયા હતા. ખાસ વાત એ છે કેધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા તમામ નવદંપતીઓને કરિયાવર રૂપે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ ઉમદા કાર્યથી 182 ગરીબ પરિવારો લગ્નના મોટા આર્થિક બોજમાંથી મુક્ત થયા છે.

સાંજે જ્યારે કન્યા વિદાયનો સમય આવ્યો ત્યારે વાતાવરણ ગમગીન બન્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા મેદનીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ધારાસભ્યના આંગણે યોજાયેલો આ મહોત્સવ માત્ર લગ્નોત્સવ નહીંપણ આદિવાસી વારસાના જતનનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.