/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/02141743/maxresdefault-12.jpg)
રાજયમાં વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચુંટણી યોજાવા જઇ રહી છે પરંતુ કોરોના વાયરસનું કારણ આગળ ધરી ભરૂચ નગરપાલિકાની સભા બોલાવવામાં નહિ આવતાં વિપક્ષના સભ્યોએ સોમવારના રોજ પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી.
રાજય સરકારના કાયદા મુજબ દર ત્રણ મહિને નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે પણ ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણના કારણે માર્ચ મહિના બાદ ભરૂચ નગરપાલિકાની સામાન્યસભા બોલાવવામાં આવી નથી. ઓકટોબર મહિનામાં સામાન્ય સભા બોલાવવા માટે વિપક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખ તથા મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી. અનેક વખતની રજુઆત બાદ પણ સામાન્યસભા અંગે નિર્ણય નહિ લેવાતાં વિપક્ષના સભ્યો સોમવારના રોજ પ્રમુખ તથા મુખ્ય અધિકારીને મળ્યાં હતાં.
તેમણે સત્તાધીશોને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 72 કલાકમાં સામાન્યસભા નહિ બોલાવવામાં આવે તો વિપક્ષના સભ્યો પાલિકાની લોબીમાં શહેરીજનોને બોલાવી સામાન્યસભા યોજશે તેવી ચીમકી આપવામાં આવી છે. વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, હિસાબમાં ગોટાળા હોવાથી પાલિકા પ્રમુખ સામાન્યસભા બોલાવતાં ખચકાય રહયાં છે.