ભરૂચના હાંસોટ પંથકનો બનાવ
અનિયમિત વીજ પુરવઠાથી મુશ્કેલી
ગ્રામજનોમાં આક્રોશ
મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર
સમસ્યાના નિરાકરણની માંગ
ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવખુર્દ સહિતના ગામોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવખુર્દ સહિતના ગામોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવા માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં દિવસ દરમિયાન આશરે ૮થી ૧૦ વખત વીજળી જતી રહે છે. ખાસ કરીને સાંજે ૬ વાગ્યા પછી એક જ કલાકમાં ત્રણથી ચાર વખત વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વારંવાર વીજળી જવાને કારણે મહિલાઓને રસોઈ બનાવવામાં તેમજ અન્ય દૈનિક કામકાજમાં મુશ્કેલી પડી રહી છે.
આ અંગે ગ્રામજનોએ છેલ્લા ૧૦ દિવસથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાનું જણાવ્યું છે. વીજ કંપની દ્વારા લોડિંગની સમસ્યા હોવાનું જણાવવામાં આવતું હોવાની પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે.
ગામમાં વીજ પુરવઠો નિયમિત રહે તે માટે યોગ્ય તપાસ કરી અનુભવી ટેકનિશિયન દ્વારા સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે.બીજી તરફ, ખેતીવાડી માટે અગાઉ ૧૦ કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, પરંતુ છેલ્લા ૧૦ દિવસથી કોઈ સ્પષ્ટ જાહેરાત વિના વીજ પુરવઠો ઘટાડીને ૮ કલાક કરવામાં આવ્યો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
