ઔદ્યોગિક વિકાસમાં મોખરે રહેલા અંકલેશ્વરના ઉદ્યોગો પર વીજ સંકટ ઉભું થયું છે.સાંજે 4થી રાત્રે 11 વાગ્યા સુધી ઔદ્યોગિક ફીડરો પર સ્ટેગર ડેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ઉદ્યોગો દ્વારા આવનારા દિવસોમાં ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે
દેશભરમાં વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવાના પડકારો વચ્ચે હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વીજ સંકટની અસર વર્તાવા લાગી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતા અંકલેશ્વરના ઉદ્યોગો પર પણ વીજકાપનાં વાદળો ઘેરાયાં છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં ફીડરવાઇઝ સ્ટેગર ડે અમલમાં મૂકવાનો નિર્ણય લેવાતાં ઉદ્યોગજગતમાં વીજ પુરવઠાની સ્થિતિ અને ઉત્પાદન ખર્ચને લઈને ચર્ચા શરૂ થઈ છે.
તા. 15 ઓક્ટોબર, 2026ના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. વર્તમાન વીજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ બેઠકમાં ઔદ્યોગિક વિસ્તારોના ફીડરો પર સ્ટેગર ડે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.નિર્ધારિત સમયપત્રક મુજબ સંબંધિત ઔદ્યોગિક વિસ્તારના ફીડર પર વારાફરતી સ્ટેગર ડેનો અમલ કરવામાં આવશે.
આ વ્યવસ્થા હેઠળ સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પરિણામે ઔદ્યોગિક એકમોએ વીજ પુરવઠાના સમયને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અને અન્ય કામગીરીનું આયોજન કરવું પડશે. આ બાબતે અંકલેશ્વરના ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, ફીડરવાઇઝ લોડ શેરિંગની વ્યવસ્થાને કારણે હાલ કોઈ મોટી સમસ્યા ઊભી થઈ નથી. જોકે, વીજકાપના સમય દરમિયાન ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા માટે વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવાની જરૂર પડે તો ખર્ચ વધી શકે છે.
ખાસ કરીને સતત વીજળી પર આધારિત ઉત્પાદન પ્રક્રિયા ધરાવતા એકમો માટે વીજ પુરવઠામાં વિક્ષેપ પડકારરૂપ બની શકે છે. વૈકલ્પિક ઇંધણનો ખર્ચ, ઉત્પાદનના સમયપત્રકમાં ફેરફાર અને માલની સમયસર ડિલિવરી જેવા મુદ્દાઓ ઉદ્યોગોની કામગીરીને અસર કરી શકે છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એસ.ઇ. એન.જી. પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં કોઈ ગંભીર વીજ સંકટ નથી. વીજલોડ વધ્યો હોવાથી ગ્રીડની ફ્રિક્વન્સી જાળવી રાખવા માટે ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાઓ મુજબ તબક્કાવાર વીજકાપ લાગુ કરવામાં આવી રહ્યો છે.
બ્લેક ડાયમંડ તરીકે ઓળખાતા કોલસાની અછતને કારણે આ સમયે સમગ્ર દેશમાં સંકટનાં વાદળો ઘેરાઇ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કોલસાની અછતને કારણે વીજળીનુ સંકટ ઉભુ થયુ છે, જે આગામી સમયમાં વધુ ગંભીર બનશે તો વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે
