/connect-gujarat/media/post_banners/334d564dd9b7fcdfcd58600c71e44b09a6fc2c6b7d2e988b1317b4eaddd81a50.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અવાદર ગામ નજીક માર્ગની બાજુમાં આવેલી ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવતા ભરૂચ LCB પોલીસની ટીમે ટેન્કર સાથે 3 શખ્સોની અટકાયત કરી હતી, જ્યારે GPCB દ્વારા કેમિકલ વેસ્ટના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને દઢાલથી ઝઘડીયા જીઆઇડીસીમાં પેપ્સી કંપની તરફ જતા માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે આવેલ અવાદાર ગામની ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો હોવાની બાતમી માહિતી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા મધ્યપ્રદેશના નાગદાના યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત, ધ્રુવ મનોજ મીના તેમજ વડોદરાના શિનોરના અનિલ રામજી વસાવાને ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ કેમિકલ વેસ્ટ અંગે વધુ પૂછપરછ કરતા મધ્યપ્રદેશના નાગદાના મનોજ મીનાના કહેવાથી ઝઘડીયા GIDCના વી.આર. ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ વેસ્ટ ભર્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મદદ મેળવતા GPCBની ટીમે કેમિકલ વેસ્ટના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલી આપી જરૂરી તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ, LCB પોલીસે ટેન્કર જપ્ત કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.