/connect-gujarat/media/post_banners/382c52ee34035a6bdcd42a357fde0b0217bf020adf3ec079ee28b66c36f3dbe0.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પદ્મનાભ જ્વેલર્સના દુકાનદાર સાથે છેતરપિંડી કરનાર ગેંગના 6 શખ્સોને 4 મોબાઈલ અને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર શહેરમાં જ્યોતિ સિનેમા નજીક આવેલ પદ્મનાભ જવેલર્સમાં થોડા દિવસો પહેલાં એક ઇસમ સોનાના પેન્ડલ ગીરવે મુકી 30 હજાર રૂપિયા લઇ ગયો હતો, અને ૩ દિવસમાં રૂપિયા પરત કરી દાગીના છોડાવી ગયો હતો. 2 દિવસ પહેલા આ ઇસમ તેના સાગરિત સાથે દુકાને પાછો આવ્યો હતો, અને આ સમયે સોનાના નકલી દાગીના આપી સોની પાસેથી ચાંદીના દાગીના તથા 96 હજાર રૂપિયા રોકડા લઇ ફરાર થઈ ગયો હતો. સોનીના પુત્રએ દાગીના તપાસતાં તે નકલી હોવાનું જણાતાં અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે એસપી ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.ચૌહાણ તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગેંગના સાગરિતો મુકેશ હરજી ભોપા, પ્રહલાદ રામુ ભોપા, રાજુ રામ ભોપા, જગદીશ હરજી ભોપા, સુમેરસિંઘ ભોપા, પ્રેમબાઈ ભોપા આણંદ જિલ્લાના વાસદથી રાજસ્થાન ભાગી જવાની ફિરાકમાં હોવાની બાતમી મળી જતી, ત્યારે બાતમી મળતા જ અંકલેશ્વર પોલીસે આણંદ પોલીસનો સંપર્ક કરી આરોપીઓને વાસદથી ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ રાજસ્થાનના ચાકુસના રહેવાસી છે, અને અંકલેશ્વરમાં પદ્મનાભ જ્વેલર્સ અને બોરભાઠાના શિવશક્તિ જ્વેલર્સમાં નકલી દાગીના આપી છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1.64 લાખની ખેતરપિંડી કરનાર ગેંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.