Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: 15 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં 9 વર્ષીય બાળકનું ડુબી જતા મોત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જૂનીકોલોની પાસે રહેતા શ્રમિક પરિવારનો 9 વર્ષીય બાળક રમતા-રમતા 15 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં ખાબક્યો હતો.

X

અંકલેશ્વર જૂનીકોલોની પાસે રહેતા શ્રમિક પરિવારનો 9 વર્ષીય બાળક રમતા-રમતા 15 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં ખાબક્યો હતો. બનાવની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર ટીમને કરતા તેઓએ એક કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

અંકલેશ્વર વાલિયા ચોકડીને અડીને આવેલી જૂની કોલોની ખાતે નજીકમાં રહેતા શ્રમિક પરિવારના બાળકો શૌચાલયના પાછળ ભાગે રમી રહ્યા હતા. તે દરમિયાન ત્રણ બાળકો પૈકી રમતા રમતા 9 વર્ષીય કિશન વસાવા 15 ફૂટ ઊંડી ખુલ્લી કુંડીમાં પગ લપસી જતા કે કોઈ કારણસર ખાબક્યો હતો. તેણે બહાર નીકળવાની કોશિશ કરતા નીકળી શક્યો ન હતો. જેને લઇ તેની સાથે રમતો તેનો ભાઈ અને અન્ય બાળકો પરિવારને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. જોકે પરિવારના લોકોએ કિશનને બહાર કાઢવાની કોશિશ કરવા છતાંય તે બહાર નહીં નીકળી શકતા બનાવની પોલીસમાં જાણ કરતા GIDC પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા પણ બાળકને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા છતાં બાળક બહાર નહીં નીકળતા અંકલેશ્વર DPMCને જાણ કરતા તેઓ રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ પર દોડી આવી એક કલાકની ભારે જહેમત બાદ કિશનને બહાર કાઢ્યો હતો. જોકે ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું. કિશનને અંદરથી મૃત હાલતમાં બહાર કઢાવામાં આવ્યો હતો. કિશનનું ગુંગણામણથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. ત્યારે પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી મૃતક પરિવારની ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ શરુ કરી હતી.

Next Story