ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અયપ્પા સેવા સમિતિ દ્વારા મંડલા પુજા ઉત્સવ નિમિત્તે ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર ખાતે દર વર્ષે મંડલા પુજા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ શ્રી અયપ્પા સેવા સમિતિ-અંકલેશ્વર દ્વારા તા. 1લી ડિસેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી અયપ્પા સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ગત તા. 8મી ડિસેમ્બરના રોજ ભગવાન અયપ્પાને નર્મદા નદીના પવિત્ર જળથી જળાભિષેક કર્યા બાદ રાજપીપળા ચોકડી સ્થિત રાધાકૃષ્ણ મંદિરેથી ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શણગાર સાથે નીકળેલ શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંદાડા તળાવ સ્થિત અયપ્પા મંદિરે આવી પહોંચી હતી. મંડલા પુજા ઉત્સવ નિમિત્તે યોજાયેલ ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં અયપ્પા સેવા સમિતિના સભ્યો અને પારંપારિક વસ્ત્રોમાં ઉપસ્થિત સમાજના આગેવાનો અને મહિલાઓએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.