અંકલેશ્વરમાં લાબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ છે પણ આ વરસાદ શહેરીજનો માટે આફત લઇને આવ્યો છે. પીરામણ ગામથી ગુજરાત ગેસ કંપની સુધીનો રસ્તો બિસ્માર બની જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે.
સમગ્ર ગુજરાતમાં વિકાસની વાહ વાહી છે પણ ચોમાસું આવતાની સાથે આ વાહ વાહીની પરપોટો ફુટી ગયો હોય તેમ લાગી રહયું છે. અંકલેશ્વરના પીરામણ ગામથી ગુજરાત ગેસ કંપની સુધીના રસ્તા પર ચોમાસા પહેલાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ બાદ માટી પુરાણની કામગીરી બરાબર કરવામાં નહિ આવતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે સમસ્યાઓનું પુરાણ શરૂ થઇ ગયું છે. ગઇકાલે ખાબકેલા મુશળધાર વરસાદમાં આ ખાડાઓમાં અનેક વાહનો ફસાયાં હતાં.
દર વર્ષે નવા રસ્તાઓ બનાવવા તથા રીપેરીંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રસ્તાઓના ભુમિપુજન કે લોકાર્પણમાં આવી ફોટાઓ પડાવતાં નેતાઓ હવે લોકોની હાલત જોવા પણ આવતાં નથી. પાલિકા સત્તાધીશોને ખબર હતી કે ચોમાસું માથે છે પણ તેમણે મુખ્ય રસ્તો જ ખોદાવી નાંખ્યો છે. હવે હાલાકી સ્થાનિકોને ભોગવવી પડી રહી છે તેમ લોકોએ જણાવ્યું છે.
અંકલેશ્વર નગરમાં માત્ર આ જ રસ્તો નહિ, મહાવીર ટર્નિંગ પાસેનો રેલવે ફાટક, ફલાયઓવર નજીકનો સર્વિસ રોડ સહિતના અનેક રસ્તાઓ પાણીમાં ધોવાય ગયાં છે. ઉબડખાબડ રસ્તાઓના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયાં બાદ અંકલેશ્વર શહેરમાંથી પસાર થતાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ રસ્તાઓના સમારકામ બાબતે સક્રિયતા બતાવે તે જરૂરી છે.