ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બેકાર યુવાને સોમનાથ અને જુનાગઢ ફરવા જવાના પૈસા માટે SBI બેન્કના ATMને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ પકડીને જેલ ભેગો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસે રમણ મુળજીની વાડીમાં આવેલા SBI બેન્કનું ATM તોડી ગત શુક્રવારે રાત્રે એક યુવાને રોકડ રકમ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ એ’ ડીવીઝન પોલીસ અને એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન SBI બેન્કના 2 ATM મશીન તોડવાના પ્રયાસમાં CCTV ફુટેજ, હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના અધારે પોલીસને માહિતી મળી હતી કે, ATM ચોરીનો આરોપી નજીકમાં જ અંકલેશ્વર નવી દીવી ગ્રાઉન્ડ ખાતે જોવા મળ્યો છે, ત્યારે પોલીસે તુરંત સ્થળ પર જઈ CCTVમાં સ્પષ્ટ દેખાતા મન ઉર્ફે ગોલુ તુકારામ વેડેકરને ઝડપી પાડ્યો હતો.
જેની પોલીસે પુછપરછ કરતા યુવાને કોઈ કામ ધંધો કરતો ન હોવાથી સોમનાથ અને જુનાગઢ ફરવા જવા માટે પૈસાની જરૂરીયાત હોય જેથી ATM તોડવાનું મન બનાવી રાત્રે તે ઘર નજીકના જ SBI બેન્કના ATMમાં મોબાઈલ પર વાત કરતા કરતા ગયો હતો, જ્યાં ATM મશીન તોડી ડાયલરનો દરવાજો ખોલી રોકડ રકમ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાં નિષ્ફળ જતાં ઈંટ વડે ATM તોડવાનો પ્રયાસ કરતા સાયરન વાગી ગયું હતું, અને તે યુવાન ત્યાંથી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું.