ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, 2 ઇસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાં પેસેન્જર તરીકે બેસી પોતાની પાસેની બેગમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર ઉતરીને સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે વાલીયા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળા બન્ને ઈસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઊતરી વાલીયા બસ ડેપો તરફ જતા હતા. તે વેળા પોલીસે તેઓને રોકી તેઓનું નામઠામ પૂછતા સુરત શહેરના SMC ક્વાટર્સ ખાતે રહેતા શુભમ પ્રેમનાથ દૂબે અને ધનંજય યાદવ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને ઇસમો પાસે રહેલી બેગ તપાસતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 64 જેટલા બિયરના ટીન મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 6,400 તથા 2 મોબાઈલ અને બેગ મળી કુલ 7,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બન્નેની કડક પૂછપરછ કરતાં બન્ને ઈસમો દારૂનું છૂટક વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બન્ને ઇસમો સુરતથી ટ્રેન મારફતે મુંબઈના બોરીવલીની વાઇન શોપમાંથી બિયરના ટીન વેચાણ અર્થે થેલામાં ભરી લાવી રાત્રિના સમયે હાઇવે પરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી પોલીસના હાથે પકડાવાય નહીં તે માટે અંકલેશ્વરની વાલીયા ચોકડી પર ઉતરી બસ ચેન્જ કરીને સુરત તરફ રવાના થવા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.