ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલખાનું ઝડપી પાડી 3 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં ગેરકાયદેસર કતલખાનું ચાલતું હોવાની પાનોલી પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પડ્યા હતા, જ્યાં કતલખાનામાં કામ કરતાં 3 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ૩ ઇસમો ફરાર થઈ જતાં તેઓની અટકાયતના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે દરોડા દરમિયાન કતલના ઇરાદે ક્રુરતાપૂર્વક બાંધી રખાયેલ 6 ગાય અને 4 વાછરડાને પણ છોડાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 320 કિલો ગૌવંશનો જથ્થો તેમજ કતલ કરવાના સાધનો સહિત પશુ મળી રૂ. 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોતાના આર્થિક ફાયદા માટે ગૌમાસનું વેચાણ કરનાર તેમજ ગાયો આપી જનાર મળી 7 લોકો વિરુદ્ધ પશુધારાની સંલગ્ન કલમો હેઠળ પાનોલી પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો બીજી તરફ, જપ્ત કરાયેલ માસના જથ્થાને સુરત FSL કચેરી ખાતે પરીક્ષણ અર્થે મોકલી પાનોલી પોલીસે તપાસને આગળ ધપાવી છે.