ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નજીક નશામાં ધૂત એક કારચાલકે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના કાફલાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે જિલ્લા ટ્રાફિક પોલીસે શહેર પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, સુરત ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરતથી ગાંધીનગર તરફ પોતાના સરકારી વાહનમાં હાંસોટ થઈને અંકલેશ્વર શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન સલાડવાડ વિસ્તાર નજીક BMW કારમાં નશામાં ધૂત રહેલા હેતલ મોદીએ પાયલોટિંગ કરી રહેલ પોલીસના વાહનોએ સાયરન વગાડવા છતાં પોતાની કાર આગળથી ખસેડી ન હતી. એટલું જ નહીં હેતલ મોદીએ કારને અચાનક જ માર્ગ પર જ ઊભી કરી પાયલોટિંગ કરતા પોલિસ જવાનો સાથે માથાકૂટ કરી હતી. કારચાલકની માથાકૂટના કારણે ગાડીઓની કતાર લાગતા શહેર પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, ત્યારે નશાની હાલતમાં રહેલા હેતલ મોદીની અટકાયત કરી BMW કાર હટાવી રાજ્યમંત્રીના કાફલાને રવાના કર્યો હતો. આ બનાવ અંગે શહેર પોલીસે કાર માલિક હેતલ મોદી વિરુદ્ધ સરકારી વાહનોને રોકી સરકારના કામમાં અડચણ ઊભી કરવા તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ આરંભી હતી.