ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં બજારમાં શાકભાજીની આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે શાકભાજીની માંગ સામે આવક ઘટી જવાથી ગૃહિણીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે.
અંકલેશ્વર શહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચા અને આદુ સહીતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. લીંબુ 200 રૂપિયા, મરચા 100 રૂપિયા અને આદુનો 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે. ડુંગળી-બટાકાના ભાવમાં પણ 20% વધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં લસણના ભાવ ઉંચા પહોંચ્યા હતા, જે બાદ હવે આદુ, લીંબુ, મરચા, ટામેટા , બટાકા, ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદએ ખેડૂતોના ઉભા પાકનો દાટ વાળ્યો હતો. બજારમાં આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે. તમામ શાકભાજીથી લઇ રસોઈમાં બનતી વાનગીમાં આદુ, લસણ, મરચા, લીંબુ સ્વાદ આપતા હોય છે. તેના જ ભાવમાં વધારો થતા ગૃહિણીઓ માટે તેનું રોજીંદુ બજેટ ખોરવાઈ ગયું છે. અંકલેશ્વરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના બજારમાંથી આયાત કરવામાં આવતી હોય છે. જે વચ્ચે ઓછી આવકને લઇ શાકભાજીના ભાવમાં વધારો થયો છે.