ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે, જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે, ત્યારે આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આવનારી પેઢી સ્પર્ધાત્મક આ યુગમાં અન્ય સમાજ સાથે કદમતાલ કરી શકે તે માટેની વિવિધ પ્રવૃત્તિ માટે ભવ્ય ‘બિરસા મુંડા ભવન’ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ નજીક નગરપાલિકા દ્વારા રૂ. 46 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેષ પટેલ સહિત પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.