અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતાં પાર્થ પવારની જીંદગી બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે ત્યારે કનેકટ ગુજરાત તરફથી પાર્થને મદદ માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અંકલેશ્વરનું હા થઇ જશે ગૃપ પણ સહભાગી બન્યું છે અને ગૃપના સભ્યોએ પાર્થની મદદ માટે ઠેર ઠેર પોસ્ટર્સ લગાવ્યાં છે.
મહીસાગરના ધૈર્યરાજસિંહને જે બિમારી હતી તે હવે અંકલેશ્વરના ગડખોલના પાર્થને પણ તે એસએમએ-1 નામની બિમારી છે. આ બિમારીના ઇલાજ માટે અમેરિકાથી ઇન્જેકશન મંગાવવું પડતું હોય છે અને આ ઇન્જેકશનની કિમંત છે 16 કરોડ રૂપિયા… મહીસાગરના ધૈર્યરાજસિંહ માટે દાનનો સાગર વહ્યો હતો અને તેને મુંબઇની હોસ્પિટલમાં 16 કરોડ રૂપિયાની કિમંતનું ઇન્જેકશન મુકવામાં આવ્યું છે. પાર્થ પવાર પર સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના માટે 16 કરોડ રૂપિયા એક સ્વપન સમાન છે.
પાર્થ પવારને મદદ કરવા માટે કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ આગળ આવી હતી. કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર પાર્થના પરિવારને આપ્યો છે. કનેકટ ગુજરાતની આ મુહિમમાં હવે સખાવતીઓ જોડાય રહયાં છે.
અંકલેશ્વરની હોસ્પિટલને પાર્થની સારવાર માટેની તૈયારી બતાવી છે જયારે રાજયના સહકારમંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે પણ પાર્થને ખાસ કિસ્સામાં આર્થિક મદદ માટે પત્ર લખ્યો છે.
પાર્થને મદદ માટે કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલે કરેલી પોકારની ગુંજ હવે સંભળાઇ રહી છે. અંકલેશ્વરમાં સેવાભાવી પ્રવૃતિ સાથે સંકળાયેલાં હા થઇ જશે ગૃપના સભ્યો પણ હવે પાર્થની મદદ આવ્યાં છે. પાર્થને આર્થિક રીતે મદદ મળી રહે તે માટે તેમણે શહેરના વિવિધ સ્થળોએ પોસ્ટર્સ પણ લગાવ્યાં છે. કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલ હા થઇ જશે ગૃપના સભ્યોના આ પ્રયાસને બિરદાવે છે અને પાર્થની મદદ માટે કરેલી પહેલને હજી આગળ વધારે તેવી શુભકામના પણ પાઠવે છે.
16 કરોડ રૂપિયાની રકમ કોઇ પણ પરિવાર માટે મોટી રકમ કહી શકાય ત્યારે આપણે ફુલ નહિ તો ફુલની પાંખડીનું દાન કરી માસુમ બાળકને નવજીવન આપવામાં આપણો ફાળો આપીએ તો ય જીવનમાં પુણ્યનું મોટુ ભાથુ બાંધેલું ગણાશે.