ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર બી’ ડિવિઝન પોલીસે તવાઈ બોલાવી છે.
અંકલેશ્વર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનો દુખાવો સમાન બની રહી હતી. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારથી લઈને વાલીયા ચોકડી નેશનલ હાઈવે સુધી જતા સર્વિસ રોડ ઉપર રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો હોય, જેને લઇને અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા લોકો ઉપર લાલ આંખ કરી હતી. અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે.ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. JCBની મદદ લઈ લારી-ગલ્લા અને કેબીનો સહિતના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે દબાણો દૂર કરાયા બાદ ઘણા વર્ષો પછી માર્ગ ખુલ્લો જોવા મળ્યો હતો. પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈને રોજિંદા ટ્રાફિકમાં ફસાઈ રહેતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.