/connect-gujarat/media/post_banners/2a1394e002f2fcc85498ae1c0816518a98632e240f65703e21af4dc71ad3a5d3.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગુમ થયેલ બાળકને પોતાના પરિવાર સાથે શહેર પોલીસે મિલાપ કરાવ્યો હતો, ત્યારે બાળકને જોઈ માતાની આંખો ભીની થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસને જીનવાલા સ્કુલ નજીકથી એક બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા બાળકના વાલી વારસદારોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કલાકો સુધી બાળકના વારસદારો નહીં મળતા છેવટે અંકલેશ્વર શહેર પોલીસે પત્રકારોને જાણ કરી હતી, ત્યારે બાળકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેના વારસદારો સુધી પહોચવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગણતરીના કલાકોમાં જ બાળકના વારસદારો મળી આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ ખાતે પરિવારજનોને બોલાવી બાળકની ઓળખ કરાવવામાં આવી હતી. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા બાળકનો તેના પરિવાર સાથે મિલાપ કરાવતી વેળા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર શહેર પોલીસની સરાહનીય કામગીરી બદલ શહેરીજનોએ શુભેચ્છા પાઠવી હતી.