ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જવાહર બાગ નજીક રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણધીન અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનીસીપલ હોસ્પિટલનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તેમજ આજુબાજુના ગામના લોકોને આરોગ્યને લગતી અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે અંકલેશ્વર નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત પ્રયાસોથી રૂપિયા 4 કરોડના ખર્ચે અંકલેશ્વર શહેરના જવાહર બાગ નજીક મ્યુનીસીપલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ મ્યુનીસીપલ હોસ્પિટલના બિલ્ડીંગનું પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પૂજા વિધિ બાદ રીબીન કટિંગ સાથે તખ્તી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાથી સજ્જ મ્યુનીસીપલ હોસ્પીટલમાં બેડ, ફાયર સેફટી તેમજ રોટરી ક્લબ-અંકલેશ્વરના પ્રયાસથી આધુનિક લેબ સહીત સોલાર ગ્રીન પેનલ લગાવવામાં આવી છે. આ લોકર્પણ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, ડીસ્પેન્સરી કમિટીના ચેરમેન પુષ્પા મકવાણા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, પાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો સહીત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.