ભરૂચમાં ફરીએકવાર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા જીવ જોખમમાં મુકવાનો મામલો સામે આવતા પોલીસે 6 નબીરાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેરમાં ચાલતી કારમાં જીવના જોખમે સ્ટંટ કરતાં 6 યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જાહેર માર્ગ પર સ્ટંટ કરતા યુવાનો અન્ય વાહનચાલકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે. જ્યારે નવાઈની વાત તો એ છે કે કારમાં જે યુવક ડ્રાઈવિંગ કરતો હતો તે નબીરો પણ બારીમાંથી બહાર આવીને નાચ કરતો હતો. આ નબીરાઓએ તેમની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. તાજેતરમાં જ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો, જેમાં નબીરા દ્વારા અકસ્માતમાં 10 લોકોના જીવ ગયા છે. ત્યારે આ યુવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સબક શીખડવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. ત્યારે અંકલેશ્વર GIDC પોલીસે ગણતરીના કલાકોની અંદર જ સ્ટંટ કરતા યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમે કારના નંબરના આધારે સ્ટંટ કરતા 6 યુવકોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે અંકિત પુરોહિત, સત્યમ યાદવ, દિપક યાદવ, રોહિત કામેશ્વર શાહ, કરણી પ્રસાદ અને અર્પિત ઝા ને ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.