ભરૂચ અને અંકલેશ્વરમાં હવે ડીજે સંચાલકોએ કેટલાક આલ્બમ સોંગ પ્રકાશિત કરવા સામે નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. અંકલેશ્વરના ગુરુદ્વારા નજીક ધ્વનિ સુપર મ્યુઝીક પ્રાઇવેટ લિમિટેડના મેનેજર અને અધિકારીઓની ટીમે ડીજે સંચાલકો સાથે બેઠક યોજી જાણકારી આપી હતી.
જેમાં અંકલેશ્વરમાં લગ્ન જેવા પ્રસંગમાં વાગતા અવનવા ગીતોમાં હવે ડીજે સંચાલકોએ ધ્વનિ સુપર મ્યુઝીક પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલી 6 કંપનીના આલ્બમ સોંગ એટલે કે, ગીતને ડીજે સાઉન્ડ સિસ્ટમ પર વગાડવા હોય તો વાર્ષિક 12 હજાર રૂપિયા ચૂકવી લાઇસન્સ લેવું પડશે. સુરતની ધ્વનિ સુપર મ્યુઝીક પ્રાઇવેટ લિમિટેડ સાથે રાઘવ ડિજિટલ, સ્ટુડિયો સરસ્વતી, શ્રી રામ ઓડિયો એન્ડ ટેલીફિલ્મ, કિંજલ સ્ટુડિયો, તુલસી ડિજિટલ અને ઇગલ હોમ એન્ટરટેઇન્ટમેન્ટ આમ 6 કંપનીઓ સંકળાયેલ છે.
ધ્વની સુપર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર નિખિલ નાયકના જણાવ્યા પ્રમાણે તેમની કંપનીનું કામ ઉપરોક્ત 6 કંપનીઓના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આલ્બમ સોંગ કે, ગીતને લાઇસન્સ કે, રોયલ્ટી ચુકવ્યા વિના વેપારી કે, ડીજે સંચાલક તેનાથી આર્થિક લાભ ન લઇ શકે એ ધ્યાન રાખવાનું કામ કરે છે, અને જો ડીજે સંચાલકો લાયસન્સ વિના ઉપરોક્ત કંપનીઓના સોંગ વગાડે તો તેમની સામે કોપીરાઇટ સહિતની કલમો હેઠળ કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તે અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, ડીજે સંચાલકોએ વાર્ષિક 12 હજાર રૂપિયા ઉપરોક્ત 6 કંપનીઓના સોંગ વગાડવા માટે મોંધા હોવાથી ડીજે સંચાલકોએ બેઠકમાં 6 કંપનીના ટ્રેક સોંગ ડીજે પર નહીં વગાડવા માટેનો નિર્ણય લીધો છે. આ સાથે જ આયોજકો પણ આ અંગેની નોંધ લઈ ડીજે સંચાલકોને ઉપરોક્ત 6 કંપનીઓના સોંગ વગાડવા માટે દબાણ ન કરી સાથ-સહકાર આપે તેવી અપીલ કરી હતી.