ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓની વિવિધ પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરાયું છે, ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતેની કામગીરી ઠપ્પ થઈ જતાં અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે આગાઉ જીલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે સમાન કામ સમાન વેતન, વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા આજથી ભરૂચ-અંકલેશ્વર કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓ તાલુકા સેવા સદન ખાતે એકઠા થયા હતા, જ્યાં ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પડ્યા હતા. જેના કારણે આવક અને જાતિના દાખલા સહિતની કામગીરી ઠપ્પ થતા જ અરજદારો અટવાઈ પડ્યા હતા.