ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડા ગામ સ્થિત નવી નગરી ખાતે પૂર અસરગ્રસ્ત લોકોને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મુકવામાં આવતા લોકોએ વિનાશક પૂરનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કિનારે આવેલ અનેક ગામમાં પૂરના પાણી ફરી વળતાં લોકોની ઘરવખરી અને ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ જતાં લોકો પાયમાલ બન્યા હોવા સાથે લોકો બેઘર પણ બન્યા છે, ત્યારે અંકલેશ્વરના અંદાડા ગામ સ્થિત નવી નગરી ખાતે પૂર અસરગ્રસ્ત લોકોને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ, મરચું, મીઠા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. સાથે જ સરકારને આ વિસ્તારનો સર્વે કરી નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. કહેવાય છે કે, આ વિસ્તારમાં તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહે છે. છતાં પણ તેઓએ આ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ દુઃખદ સમયે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણા, મહામંત્રી હરિશ પરમાર, સાગબારા જિલ્લા કન્વીનર સુમેર વસાવા તથા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.