ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યા માર્ગ
મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 બન્યો બિસ્માર
હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું
બ્લોક સહિત મેટલ થકી પેચિંગ વર્કની કામગીરી શરૂ
વાહનચાલકોને ખાડાઓમાંથી પસાર થવામાં રાહત મળી
ભરૂચ જીલ્લામાં ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે હવે અનેક વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.
મુંબઇથી સુરત, ભરૂચ, વડોદરાને જોડતા નેશનલ હાઇવે નં. 48 પર ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર રસ્તાઓની સાથે દરેક બ્રિજ પર તેમજ સાઇડના રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. એટલું જ નહીં, ખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છે, અને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
જોકે, માર્ગ પર પડેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા ઢગલેબંધ ફરિયાદો નેશનલ હાઇવે ઓથોરીટીની મુખ્ય કચેરીએ પહોચી હતી. જેથી હવે, વરસાદ વચ્ચે ઉઘાડ નીકળતાNHAI દ્વારા તાત્કાલિક ધોરણે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાઇવે માર્ગને ખાડામુકત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વરના ખરોડ નજીક હાઇવે માર્ગ પર બ્લોક તેમજ મેટલ મુકીJCBની મદદથી રસ્તા પર પડેલા ખાડાઓને પુરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.