દેશમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આગોતરા આયોજન કરવામાં આવી રહયાં છે ત્યારે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલને સોલ્વે કંપની તરફથી ત્રણ વેન્ટીલેટરની ભેટ આપવામાં આવી છે.
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. વૈજ્ઞાનિકો તથા તબીબોએ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે ત્યારે ત્રીજી લહેરને પહોંચી વળવા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલોમાં પુરતાં પ્રમાણમાં વેન્ટીલેટરની સુવિધા મળી રહે તે માટે ઉદ્યોગગૃહો આગળ આવી રહયાં છે.
પાનોલી જીઆઇડીસીની સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા કંપની તરફથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલને ત્રણ આધુનિક વેન્ટીલેટર ભેટમાં આપવામાં આવ્યાં છે. ગુરૂવારના રોજ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટરના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કંપનીના સાઈટ હેડ હિમાંશુ ગોંડલીયા, આશિષ નાયક, મેડિકલ ઓફિસર ડૉ. એન.સી.ચૌહાણ, હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, અજય શાહ, સંજય પટેલ, જયેશ પટેલ, હરેશ મહેતા સહિતના અગ્રણીઓ અને મહેમાનો હાજર રહયાં હતાં. હોસ્પિટલના ટ્રસ્ટીઓએ વેન્ટીલેટરના અનુદાન માટે કંપનીનો આભાર માન્યો હતો.