અંકલેશ્વર : પોલીસના ડર વિના ચોરીના બનાવને અંજામ આપતા તસ્કરો, પોલીસ પેટ્રોલીંગની કામગીરી પર સવાલ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે

New Update
અંકલેશ્વર : પોલીસના ડર વિના ચોરીના બનાવને અંજામ આપતા તસ્કરો, પોલીસ પેટ્રોલીંગની કામગીરી પર સવાલ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના નવા સરફુદ્દીન, પંચાટી બજારના સોય ફળિયા તેમજ GIDC વિસ્તાર સ્થિત વ્રજવિહાર સોસાયટીમાં ચોરી થતાં પોલીસ પેટ્રોલીંગની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા સરફુદ્દીન જળકુંડ વિસ્તારમાં રહેતા સરસ્વતી પરમાર પોતાના પરિવાર સાથે બહેનના ઘરે દિવાળી કરવા ગયા હતા. આ દરમ્યાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનના પ્રવેશ કરી કબાટમાં રહેલા લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઇ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મકાન માલિકે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આરંભી છે.

તો આ તરફ, અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તારની પાછળના ભાગે આવેલ સોય ફળિયામાં સવારે 4 વાગ્યાના અરસામાં તસ્કરોએ 3 જેટલા બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં મકાનના દરવાજે લટકેલું તાળું તોડી તસ્કરોએ ગેરકાદેસર રીતે મકાન અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાં તિજોરીનું તાળું તોડી તેમાં રહેલ અંદાજિત 40 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવની જાણ મકાન માલિકને થતાં તેઓએ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ, અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલ વ્રજવિહાર સોસાયટીમાં રહેતા પંકજ રાવલ પોતાના પરિવાર સાથે બેસતા વર્ષના દિવસે કુળદેવીના દર્શન અર્થે વિરમગામ ગયા હતા. આ દરમ્યાન તેઓના પાડોશીનો ફોન આવ્યો હતો કે, તમારા મકાનનું તાળું તૂટ્યું છે, અને ચોરી થઈ છે. જેથી મકાન માલિક પંકજ રાવલ તાત્કાલિક અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા, જ્યાં મકાનમાં જોતાં તમામ ઘરવખરી વેરવિખેર જોવા મળી હતી. જેમાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના પર હાથફેરો ચલાવ્યો હતો. બનાવના પગલે અંકલેશ્વર GIDC પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

Latest Stories